૧ જાન્યુઆરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ! જાણો તમારા ખિસ્સા પર પડશે કેટલી અસર?

જો તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. હવે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવું મોંઘુ થશે. ખરેખર Zomato અને Swiggy જેવી ઓનલાઈન એપ- આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર હવે 5 ટકા GST ચૂકવવો પડશે. 1 જાન્યુઆરી, 2022 થી ઓનલાઈન ફૂડના રેટમાં વધારો થઇ જશે.

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય: તમને જણાવી દઈએ કે લાંબા સમયથી ફૂડ ડિલિવરી સેવાઓને GST ના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ આ વર્ષે ૧૭ સપ્ટેમ્બરે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં પણ આ માંગને મંજૂરી આપવામાં આવી હતી.

સરકારે ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ પર ૫ % GST લાદ્યો છે. અત્યાર સુધી રેસ્ટોરાં આ ટેક્સ ચુકવતી હતી પરંતુ નવા નિયમના અમલથી ફૂડ ડિલિવરી કંપનીઓ આ ટેક્સ ચૂકવશે. આ નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી દેશભરમાં શરૂ થશે.

કંપનીઓ ગ્રાહકો પાસેથી પૈસા વસૂલશે: જો કે તેનાથી યુઝર્સને કોઈ ફરક પડવાનો નથી કારણ કે તે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ એપ કંપનીઓ પાસેથી વસૂલ કરશે. પરંતુ હંમેશા એવું રહ્યું છે કે જો સરકાર તરફથી કોઈ કંપની પર કોઈ બોજ હોય ​​તો એપ કંપનીઓ કોઈને કોઈ ને કોઈ રીતે ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારાઓ માટે નવું વર્ષ ભારે રહેવાનું છે.

આ નવો નિયમ કેવી રીતે કામ કરશે? GST ના નવા નિયમો પછી, ફૂડ એગ્રીગેટર એપ્સની જવાબદારી હશે કે તેઓ જે રેસ્ટોરન્ટ્સ દ્વારા સેવા પૂરી પાડી રહ્યા છે તેમાંથી ટેક્સ વસૂલ કરીને સરકારને સબમિટ કરે. અગાઉ રેસ્ટોરન્ટો GST વસૂલ કરતી હતી પરંતુ સરકારમાં જમા કરાવવામાં અનિયમિતતા રહેતી હતી.

ખાવાપીવાની આ વસ્તુઓ પણ થશે મોંઘી: ખાદ્ય પદાર્થોમાં કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિંક પણ મોંઘા થયા છે. તેના પર 28% GST અને તેની ઉપર 12%નો કોમ્પનસેશન સેસ લાગશે. અગાઉ તેના પર માત્ર 28 ટકા જ જીએસટી લાગતો હતો. આ સિવાય આઈસ્ક્રીમ ખાવો મોંઘો થઈ જશે. તેના પર 18% ટેક્સ લાગશે. મીઠી સોપારી અને કોટેડ એલચી હવે મોંઘી થશે. પહેલા 5% GST લાગતો હતો, જે હવે 18% થઈ ગયો છે.