ભારતમાં લોકો ક્રિકેટ અને સિનેમાના દિવાના છે. જ્યારે પણ થિયેટરમાં સારી ફિલ્મ આવે છે ત્યારે આખો પરિવાર તેને જોવા જતો હોય છે. તો ઘણા યુગલો અને મિત્રોના ગ્રુપ પણ સિનેમા હોલની મજા માણવાનું પસંદ કરતા હોય છે. દેશમાં બે પ્રકારના સિનેમા હોલ હોય છે. એક સિંગલ સ્ક્રીન થિયેટર અને બીજું મલ્ટિપ્લેક્સ. તેમાંથી મલ્ટિપ્લેક્સ સિંગલ સ્ક્રીન થિયેટરો કરતાં વધુ મોંઘા હોય છે. ખાસ કરીને અહીં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને હોય છે.
પોપકોર્નનું એક પેક જે તમને સિનેમા હોલની બહાર માત્ર દસ રૂપિયામાં મળે છે, સિનેમા હોલની અંદર તેની કિંમત દસ ગણી વધી જતી હોય છે. આ જ વાત ઠંડા પીણા અને અન્ય ખાદ્યપદાર્થો માટે પણ હોય છે. હાલત એ હોય છે કે કેટલીક વખત આ ખાણી- પીણીનું બિલ ફિલ્મની ટિકિટ કરતાં પણ વધારે આવે છે. તેવી સ્થિતિમાં સામાન્ય માણસના ખિસ્સા પર તેની ખૂબ જ મોટી અસર પડે છે.
આ કારણે હોય છે મલ્ટિપ્લેક્સમાં ફૂડ આઈટમ્સ મોંઘી: તો હવે સવાલ એ થાય છે કે મલ્ટીપ્લેક્સની અંદર ખાદ્યપદાર્થોના ભાવ આટલા ઉંચા કેમ છે? શું ત્યાં ક્વોલીટી કોઈ તફાવત હોય છે? કે તેમાં કઈ સ્પેશિયલ મિક્સ હોય છે. બંને કિસ્સાઓમાં જવાબ છે ના. અહીં ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવોનું એક ખાસ કારણ છે. વાસ્તવમાં એક સ્ક્રીન કરતાં મલ્ટી સ્ક્રીનો ચલાવવાનું વધુ ખર્ચાળ હોય છે. સિંગલ સ્ક્રીનની સરખામણીએ તેની કિંમત ચાર થી છ ગણી વધી જાય છે.
મલ્ટિપ્લેક્સમાં ઘણા પ્રોજેક્શન રૂમ અને ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ હોય છે. તમારી લક્ઝરીનું પણ અહીં ધ્યાન રાખવામાં આવે છે. એસી પણ હંમેશા ચાલુ રહે છે. સ્ટાફ પણ વધુ શિક્ષિત હોય છે. સાથે જ બેઠક વ્યવસ્થાથી લઈને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત હોય છે.
બીજી તરફ, જો આ મલ્ટિપ્લેક્સ મોલમાં ખુલે છે, તો તેમને ત્યાં પણ ઉંચુ ભાડું ચૂકવવું પડે છે. આ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ લગાવનારાઓને પણ મલ્ટિપ્લેક્સમાં દુકાનો ખોલવા માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. તેથી, તે ખાદ્યપદાર્થોના ભાવ વધારીને ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે.
મહામારીના કાળમાં ઘણું નુકસાન થયું: પછી થોડા સમય પહેલા આવેલા મહામારીના કાળમાં મલ્ટિપ્લેક્સને પણ મોટું નુકસાન થયું. તેઓ લાંબા સમયથી બંધ હતા. આવી સ્થિતિમાં, આ વર્ષની શરૂઆતમાં, દેશની બે સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેન PVR અને Inox પણ મર્જ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનીએ તો આ મર્જરનો લાભ દર્શકોને ચોક્કસ મળશે. હવે બંને પાસે કુલ મળીને લગભગ ૧૫૦૦ સ્ક્રીન છે.
થોડા સમય પહેલા એવી ચર્ચા પણ થઈ હતી કે શું દર્શકોને મલ્ટિપ્લેક્સની અંદર બહારનું ખાવાનું લઈ જવા દેવુ જોઈએ. અત્યાર સુધી એવું બને છે કે જે વ્યક્તિ ફિલ્મ જોવા આવે છે તે મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાવાનું લઈ શકતો નથી. જો તેને કંઈક ખાવાનું હોય તો તેણે મલ્ટિપ્લેક્સની અંદરની દુકાનોમાંથી ખરીદવું પડે છે.