રાષ્ટ્રપતિ- વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી સુધી, કેટલો છે આ રાજનેતાઓનો પગાર.. જાણો

નેતા એટલે લોકસેવક. એવું કહેવાય છે એટલે માની લો. દિવસ- રાત જનતાની સેવા કરવાનો દાવો કરનારા લોકો છે પણ સેવા તો ઠીક મેવાનું શું? ‘ભૂખ્યા પેટ ભજન નહીં હો ગોપાલા’ ની વાત છે. જો કે રાજકારણીઓના નામ કૌભાંડો વગેરે સાથે સંકળાયેલા રહેતા હોય છે, પરંતુ અહીં તો પગારની વાત છે. બંધારણીય હોદ્દાઓ સંભાળતી વખતે તેમને જે નાણાં મળે છે. તે પણ દર મહિને.

દેશના રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન, સાંસદ હોય કે રાજ્યપાલ હોય કે કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી હોય, દરેકને દર મહિને પગાર મળે છે. હવે આ બધા લોકો જે લાઈફસ્ટાઈલથી રહે છે તેને જોતા આપણું ધ્યાન તેમના પગાર પર તો જાય જ નહીં. પણ મળે તો છે જ. તો અમે પણ વિચાર્યું કે તમને દર મહિને 6 ભારતીય રાજકારણીઓના પગાર વિશે જણાવીએ. જો કે, મહામારીને કારણે, હાલમાં, આ લોકોના પગારમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.

આ 6 ભારતીય રાજકારણીઓનો મહિનાનો પગાર છે: સંસદસભ્ય – 1 લાખ રૂપિયા: રાજ્યસભા અને લોકસભાના સાંસદોની ચૂંટણીની સાથે સાથે પસંદગી પણ થાય છે, નિમણુંક પણ થાય છે. સંસદના દરેક સભ્યને સરકાર દ્વારા માસિક 1 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.

વડાપ્રધાન – 2 લાખ રૂપિયા: ભારતના બંધારણની કલમ 75 સંસદને વડાપ્રધાનના મહેનતાણું નક્કી કરવાનો અધિકાર આપે છે. પ્રધાનમંત્રીને માસિક 2 લાખ રૂપિયાના પગારની સાથે અન્ય લાભ મળે છે, જેમાં રાજધાની દિલ્હીમાં એક રહેઠાણ, IAF પાઇલોટ્સ સાથેનું બોઇંગ 777-300ERs વિમાન, વિશેષ સુરક્ષા અને ઘણું બધું સામેલ છે.

રાજ્યના ગવર્નર/ રાજ્યપાલ – 3.5 લાખ રૂપિયા: રાજ્યોમાં નિયુક્ત રાજ્યપાલ સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી સાથે મળીને કામ કરે છે. જ્યારે કે તેમનો પગાર રાજ્યો પ્રમાણે અલગ અલગ હોય છે, સંસદ દ્વારા રાજ્યપાલો માટે ફાળવવામાં આવતો પગાર મહિને 3.5 લાખ રૂપિયા હોય છે.

મુખ્યમંત્રી – ૪.૧૦ લાખ રૂપિયા: રાજ્યોના રાજ્યપાલોની જેમ, મુખ્યમંત્રીઓનો પગાર પણ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ ૪.૧૦ લાખ રૂપિયાના માસિક પગાર સાથે ભારતના સૌથી વધુ પગાર મેળવનાર મુખ્યમંત્રી છે. તે જ પ્રકારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે દર મહિને ૩.૪ લાખ રૂપિયા લે છે.

ઉપરાષ્ટ્રપતિ – 4 લાખ રૂપિયા: ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના કાર્યકારી અધ્યક્ષ પણ હોય છે. જ્યારે તેઓ રાષ્ટ્રપતિના ડેપ્યુટી તરીકે પણ કામ કરે છે, તેઓ રાષ્ટ્રપતિના સીધા અનુગામી પણ છે. રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામાં અથવા મહાભિયોગની ઘટનામાં તેઓ ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા પર રહે છે. હાલમાં એમ. વેંકૈયા નાયડુ દેશના ઉપરાષ્ટ્રપતિ છે અને તેમને તેમની સેવાઓ માટે દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે.

રાષ્ટ્રપતિ – 5 લાખ રૂપિયા: ભારતીય રાજકારણીઓમાં રાષ્ટ્રપતિને સૌથી વધુ પગાર મળે છે. તેમને અન્ય વળતર અને લાભ ઉપરાંત દર મહિને 5 લાખ રૂપિયાનો બેઝીક પગાર મળે છે. નિવાસસ્થાન (રાષ્ટ્રપતિ ભવન) સાથે, તેઓ બોઇંગ 777-300ER વિમાનો, વિશેષ સુરક્ષા, મુસાફરી માટે કાર અને ઘણું બધું સાથે IAF પાઇલટ્સ મેળવે છે.