આ ગામમાં થાય છે ડાકણની પૂજા, ભોગ ચડાવ્યા વગર આગળ વધો તો ઉભી થાય છે આવી મુશ્કેલીઓ

ભારતમાં ચમત્કારિક, ઐતિહાસિક મંદિરો ઉપરાંત અજીબોગરીબ મંદિરોની કોઈ કમી નથી. કોઈ મંદિરમાં બાઇકની પૂજા કરવામાં આવે છે તો કોઈ મંદિરમાં ઉંદરોને ભોગ લગાવ્યા વિના પૂજા પૂર્ણ માનવામાં નથી આવતી. આવું જ એક વિચિત્ર મંદિર છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં ડાકણ દેવીની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં આ મંદિરમાં ડાકણના દર્શન કરવા માટે દૂર- દૂરથી ભક્તો આવે છે.

૨૦૦ વર્ષ જૂનું મંદિરઃ બાલોદ જિલ્લાના ગુંદરદેહી વિકાસખંડના ઢીંકા ગામમાં રસ્તા પર બનેલું આ મંદિર ૨૦૦ વર્ષથી વધુ જૂનું છે અને પરેતિન દેવી મંદિર તરીકે પ્રખ્યાત છે. અહીં ચુડેલને લોકો સ્થાનિક ભાષામાં પરેતીન કહે છે. અહીંના લોકોનું કહેવું છે કે પહેલા મંદિરના નામે માત્ર એક ચબુતરો જ હતો.

લોકોએ મંદિર બનાવવા માટે ઈંટોનું દાન કર્યું અને તે ઈંટોથી આ મંદિર બનાવવામાં આવ્યું. અહીં નવરાત્રિમાં ઘણી ઉજવણી અને ઉત્સવ થાય છે અને લોકો દૂર- દૂરથી અહીં દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલ દરેક વ્રત પૂર્ણ થાય છે.

દરેક વટેમાર્ગુએ ચડાવવો પડે છે ભોગ: આ મંદિર રસ્તાની બાજુમાં જ બનેલું છે. તેની સામેથી પસાર થતા તમામ વાહનચાલકો મંદિરમાં ભોગ અર્પણ કર્યા પછી જ આગળ વધે છે. ખાસ કરીને માલવાહક વાહનોના ચાલકો આ પરંપરાનું ચુસ્તપણે પાલન કરે છે. ,

એવું કહેવાય છે કે જો તેઓ આવું ના કરે તો તેમને તેમના માર્ગમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત લગ્ન, મુંડન કે તીર્થયાત્રા જેવા શુભ કાર્યો માટે બહાર જતા લોકો પણ અહીં ભોગ અર્પણ કરીને આશીર્વાદ મેળવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)