અમદાવાદમાં આ જગ્યાએ મળી ગુજરાતની પ્રથમ ૩૨ માળની બિલ્ડીંગને મંજુરી, જાણો કેવી છે સ્કીમ

અત્યારસુધી અમદાવાદ સહીત ગુજરાતમાં ૭૦ મીટર સુધીની એટલે કે ૨૨ માળ સુધીની અનેક ઈમારતોને મંજુરી આપવામાં આવી છે પરંતુ હવે ગુજરાતમાં ૭૦ માળ સુધીની ઈમારતોને મંજુરી આપવાની વાત થઇ છે, નવા નિયમ આવ્યા છે. જો કે નિયમ આવ્યાના લાંબા સમય બાદ ૨૨ માળથી આગળ વધીને ગુજરાતમાં પ્રથમ વખત ૩૨ માળના બિલ્ડીંગને મંજુરી આપવામાં આવી છે.

ગુજરાત ટોલ બિલ્ડીંગ પોલીસી હેઠળ આ પ્રકારની પ્રથમ વખત મંજુરી આપવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં ૩૨ માળ કે જે કુલ ૧૧૨ મીટરની ઉંચાઈ ધરાવતું બિલ્ડીંગ બનશે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા આ ઈમારતનો પ્લાન પાસ કરીને રાજ્ય સરકારની ટેકનીકલ કમિટીને મોકલી આપવામાં આવ્યું હતું.

જેમાં અલગ અલગ અનેક ક્વેરી બાદ ૫૦ વર્ષ જેટલા સમય સુધીના સક્ષમ લાઈફસ્પાન સાથેનું સ્ટ્રક્ચર બનાવવાની અંતિમ ક્વેરીના નિરાકરણ બાદ તેને મંજુરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર સાયન્સ સિટીની બિલકુલ સામેની ગલીમાં બનશે કે જેની બાજુમાં જ ઓક્સિજન પાર્ક આવેલો છે.

જે ટીપી ૪૦ સોલા હેબતપુર ભાડજના છ નંબરના ફાઈનલ પ્લોટમાં છે. આ બિલ્ડીંગમાં કુલ ત્રણ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં દરેક ફ્લોરની એવરેજ હાઈટ ૧૧.૫ ફૂટ જેટલી રહેશે. મે ૨૦૨૧ માં અમલી બનેલી ગુજરાત ટોલ બિલ્ડીંગ પોલીસી હેઠળની આ પ્રથમ મંજુરી છે. હરિકેશ હાર્મોની નામનો આ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ સ્કીમ છે.

જેમાં ૪ બીએચકે સુધીના લકઝરીયસ ફ્લેટ બનાવવામાં આવશે. તેમાં ત્રણ માળ સુધી તો અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા છે તો ૩૨ માં માળેથી ત્રણ ટાવર વચ્ચે સ્કાય બ્રિજ રહેશે. આ બિલ્ડીંગના દરેક ટાવરમાં ૧૧૬ ફ્લેટ થઈને કુલ ૩૪૮ ફ્લેટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લગભગ ડીસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે.

આ ઉપરાંત અમદાવાદમાં ઇસ્કોન- આંબલી, શીલજ અને ગોતામાં ૩૨ માળની અન્ય બિલ્ડીંગોને મંજુરી મળી શકે છે. આ ઉપરાંત રાજપથ રંગોળી રોડ પર પણ ૨૯- ૩૦ માળના રહેણાંક બિલ્ડીંગને મંજુરી મળી શકે છે. અત્યારસુધીમાં અમદાવાદમાં ૨૨ માળના અનેક બિલ્ડીંગોને મંજુરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં પણ અનેક સ્કાય સ્ક્રેપર્સ- ગગનચુંબી બિલ્ડીંગો બની રહી છે.