આ વર્ષે આઠ કે નવ, કેટલા દિવસની હશે ચૈત્રી નવરાત્રી, જાણો જરૂરી વાતો

ચૈત્રી નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રી ૨ એપ્રિલથી શરૂ થશે અને ૧૧ મી એપ્રિલે હવન સાથે સમાપ્ત થશે. દેવી પુરાણ અનુસાર આ ચૈત્રી નવરાત્રિમાં માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. ત્યારે આવો ચૈત્ર નવરાત્રિની ચોક્કસ તારીખ, ઘટ સ્થાપનાનો શુભ સમય અને જરૂરી નિયમો જાણીએ.

નવ દિવસની રહેશે ચૈત્ર નવરાત્રિઃ પંચાંગ અનુસાર આ વખતે ૨ એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. તો નવરાત્રિનું સમાપન ૧૧ એપ્રિલના રોજ થશે. એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રીમાં સમગ્ર નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવ દિવસની નવરાત્રિને શુભ માનવામાં આવે છે. આ વખતે માં દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે.

કળશ સ્થાપનાનો શુભ સમયઃ ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના (ઘટ સ્થાપના) કરવામાં આવે છે. આ વખતે કલશની સ્થાપના માટેનો શુભ સમય સવારે ૬:૧૦ થી ૮:૨૯ સુધીનો રહેશે. કળશ સ્થાપના નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના ના કરવામાં આવે તો માતા અપ્રસન્ન થાય છે. તેથી કળશની સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ.

કળશ સ્થાપનાની વિધિ: શાસ્ત્રો અનુસાર કળશ સ્થાપના માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યોદયથી ત્રણ કલાક સુધીનો હોય છે. જ્યારે અન્ય કોઈપણ પરિસ્થિતિમાં અભિજીત મુહૂર્ત શ્રેષ્ઠ હોય છે. કળશ સ્થાપના માટે એક પહોળા મુખવાળા કળશ જેવું માટીનું વાસણ લો. આ પછી પૂજા સ્થાન પર સપ્તધાન્ય વાવો.

તેની ઉપર પાણી ભરેલો કળશ સ્થાપિત કરો અને તેના ઉપરના ભાગમાં મૌલી એટલે કે નારાછડી બાંધો. કળશની ટોચ પર કેરીનું પલ્લવ મૂકો. આ પછી નારિયેળને લાલ કપડામાં બાંધીને કળશની ઉપર સ્થાપિત કરો. નારિયેળ પર પણ નારાછડી બાંધો. આ પછી માતાજીને આહ્વાન કરો. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)